નામ - અટક :
બીરેન કોઠારી. નેટકૃપાએ ખબર પડી કે આ નામધારી બીજા માણસો પણ છે, તેથી ગૂંચવાડો થવાનો સંભવ ખરો. જો કે, ગુજરાતી લેખનક્ષેત્રે આ નામધારી જીવ અત્યાર સુધી તો એક જ હોય એવી સંભાવના છે.
જન્મતારીખ :
આ પૃથ્વી પર જન્મેલા તમામ જીવોમાં એક ગજબનું સામ્ય છે. એ બધા જ ૧ જાન્યુઆરી અને ૩૧ ડિસેમ્બરની વચ્ચેના દિવસોએ જ જન્મ્યા હોય છે. ચાહે તે કીડી હોય કે કાચિંડો, ગાય કે ગધેડો, હાથી હોય કે હીપોપોટેમસ, સ્ટારફીશ હોય કે વ્હેલ કે અન્ય કોઈ. આ સૌમાં એક માત્ર મનુષ્યોને જ તારીખોનું વળગણ હોય છે. દેહે મનુષ્ય હોવાથી હું પણ શી રીતે બાકાત હોઈ શકું? કહેવાય છે કે આ દેહે પૃથ્વી પર ૬ એપ્રિલના રોજ માથું મૂક્યું હતું.
મૂળ વતન :
બ્રહ્માંડે કોટી સિતારમ્ એમાંનો એક તે પૃથ્વી. અને પૃથ્વી પર ભી અનેક સિતારમ્ અનેક ખંડ, એમાં કેટલાય દેશ, રાજ્યો, જિલ્લા અને તાલુકા. એમાંના એશિયા ખંડના, ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું મુખ્ય મથક એવું મહેમદાવાદ નગર, જેની ટપાલ ખાતામાં ઓળખ છે ૩૮૭ ૧૩૦.
ડિગ્રી-ઉપાધિ :
ખરેખર તો ડીગ્રી નહીં, ડીપ્લોમા છે. ડીપ્લોમા ઈન કેમીકલ એન્જિનીયરીંગ. એમ તો દોઢેક વરસ ફાઈન આર્ટ્સમાં પેઈન્ટીંગની ડીગ્રી લેવાનો પ્રયાસ કરેલો, પણ એ ઉપાધિ લાગી. જો કે, એવો ફફડાટ સતત રહ્યા કરે છે કે કોઈ ક્યાંક ડૉક્ટરેટ કે ‘ડી.લીટ.’ની માનદ્ ડીગ્રી ન પધરાવી દે. આવો ફફડાટ બે કારણે રહે છે: એક તો કોઈને હું ઝટ ‘ના’ કહી શકતો નથી. અને બીજું સૌથી મહત્ત્વનું એ કે એ માટે હું જરાય લાયક નથી,
1. સ્વભાવ :
ઓળખવાનો પ્રયત્ન ચાલુ છે. કદાચ બીજાઓએ ઓળખી લીધો હોય તો ખબર નથી.
2. બેકાબુ કહી શકાય એવો એક શોખ ?
બેકાબૂ કહેવાય એવો એકેય નહીં, પણ એવા ઘણા શોખ, જે એકંદરે કાબૂમાં છે અને મને પણ કાબૂમાં રાખે છે.
3. પ્રિય ભોજન:
દાંત ચાવી શકે, પેટ પચાવી શકે, જીભ વાંધો ન લે એવું કોઈ પણ શાકાહારી ભોજન.
4. ડિપ્રેશન આવે?
મને જોઈને બીજાને આવતું હોય તો કેમ ખબર પડે?
5. લેખન માટે કોઈ ખાસ સ્થળવિશેષ:
હવામાં ૨૦-૨૧% ઓક્સિજન ધરાવતું, ટેબલ અને ખુરશી મૂકી શકાય એવું કોઈ પણ સ્થળ. અથવા ભીંતે પીઠ ટેકવી પગ લાંબા કરીને ખોળામાં લેપટોપ મૂકી શકાય એવી કોઈ પણ જગા.
6. ગુસ્સો ક્યારે આવે?
લોકોની સીવીક (નોન) સેન્સ જોઈને, લખાણો કે કોલમોમાં આડેધડ ચિંતન ફટકારતા કલમબાજોને જોઈને, લખાણોમાં આત્મશ્લાઘાનો અતિરેક કરતા ક્લમબંકાઓને જોઈને, માતૃભાષાની સેવા કરતા લોકોને જોઈને, રાજ્યસત્તા કે ધર્મસત્તા આગળ મુજરો કરતા કલમબહાદુરોને જોઈને, લેખન એ શોખ હોય- વ્યવસાય નહીં, એમ માનતા લોકોને મળીને, શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે ફેલાઈ ચૂકેલા નિર્લજ્જ વ્યાપારીકરણથી....યાદી લાંબી છે, પણ આમાંનું કશું આપણા હાથમાં નથી, તેથી અગાઉ ઉલ્લેખ કર્યો એમ, કાબૂમાં છે એ શોખ ગુસ્સો આવવા દેતા નથી, બલકે તેની અવેજીમાં હાસ્ય પ્રેરે છે.
7.ઈશ્વરમાં માનો છો ? ક્યારે યાદ આવે ?
માનતો નથી. પણ એમના નામે થતો ક્રૂર ઘોંઘાટ સાંભળીને યાદ આવે ખરા કે સારું છે કે આ મહાશય નથી, નહીંતર ભક્તોનું આવી બનત!
8. વ્યવહારમાં એક પાયાનો નિયમ બદલવાની તક તમને આપવામાં આવે તો એ શું હશે?
વિવિધ પ્રસંગોની ઉજવણીઓમાં થતો બેફામ ખર્ચ અને નાણાંનો બિભત્સ દેખાડો ગુનાપાત્ર ગણું.
9. એક એવો અનુભવ જેથી તમને એક નવી દ્રષ્ટિ મળી :
કોઈ એક ચોક્કસ અનુભવ જણાવવો મુશ્કેલ છે. ખરેખર તો પ્રત્યેક અનુભવે કોઈ ને કોઈ બાબતે નવી દૃષ્ટિ મળતી રહેતી હોય છે.
પ્રતિલિપિ એ :
વાચકોને લેખકો સુધી કે લેખકોને વાચકો સુધી પહોંચાડવાનું એક સારું પ્લેટફોર્મ બની રહેવાની ક્ષમતા પ્રતિલિપી ધરાવે છે. આ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થાય, જથ્થાની સાથે ગુણવત્તા પણ જળવાય એ જરૂરી છે.
વાચકોને સંદેશ :
કોઈ વ્યક્તિ લેખન કરતી હોય એટલા માત્રથી એને કંઈ કોઈને સંદેશા ફટકારવાનું લાયસન્સ નથી મળી જતું. માટે કોઈનો સંદેશ ગંભીરતાથી લેશો નહીં. જાતે સૂઝે એ જ કરતા રહેજો.
Published works on Pratilipi :