pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
મસ્ત-મૌલા-મજાના લેખક શૈલેશ સગપરીયા - ઇન્ટરવ્યુ
11 मई 2016
નામ – શૈલેષકુમાર દુર્લભજીભાઇ સગપરિયા
જન્મતારીખ – 19મી જુલાઇ 1973
મુળવતન – મોવિયા. તા.ગોંડલ, જિ. રાજકોટ
શિક્ષણ – બી.કોમ.(ભાવનગર યુનિ.). એમ.કોમ.(સૌરાષ્ટ્ર યુનિ.)
સ્વભાવ – મારા સ્વભાવ વિષે તો મારા સંપર્કમાં અને પરિચયમાં હોય એવી વ્યક્તિઓ જ કહી શકે. હું પોતે જ મારા સ્વભાવની વાત કરુ તો શક્ય છે કે મારી જાત પ્રત્યેના પ્રેમને કારણે તટસ્થતા ન રહે.
પ્રિય ભોજન – બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, અડદની દાળ, ભરેલા કે તળેલા મરચા, દહીં અને છાસ. શુધ્ધ કાઠીયાવાડી ભોજન.
તમને ક્યારે ખબર પડી કે તમારે લખવું જોઇએ ? જ્યારે હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે મેં “યુવાન અને ટેલીવિઝન” વિષય પર એક લેખ લખેલો. લોકોને આ લેખ ખુબ ગમ્યો અને સારા લખાણ બદલ મને અભિનંદન આપ્યા. લોકોની પ્રસંશાથી માયલાને મજા આવી અને એવુ લાગ્યુ કે કાગળ પર કલમ ચલાવવી જોઇએ.

તમે નાની વાર્તાઓ જ લખો છો. મોટી વાર્તાઓ કે નવલકથાઓ કેમ નથી લખતા ?
વર્ષો પહેલા વિષ્ણુંશર્માએ રાજાના તોફાની કુવરોને સીધા કરવા માટે પંચતંત્રના નામે ઓળખાતી નાની-નાની વાર્તાઓનો સહારો લીધેલો અને એ ખુબ કારગત નીવડ્યો. આજે અપવાદોને બાદ કરતા લોકો પાસે વાંચવા માટેનો બહુ સમય નથી. ખાસ કરીને આજની ગુજરાતી યુવા પેઢીને લાંબું લખાણ વાંચવું નથી ગમતું ( સિવાય કે ગલગલીયા કરાવે એવુ હોય!). મારે મારી વાત માત્ર અતિશિક્ષિત લોકો પુરતી મર્યાદીત નહોતી રાખવી. ગામડાના ઓછું ભણેલા લોકો પણ મારી વાત વાંચે અને સમજે એવી ઇચ્છા હતી અને એ માત્ર નાની વાર્તાના માધ્યમ દ્વારા જ શક્ય છે. મારી વાર્તાને આજે કોલેજના પ્રોફેસરો પણ વાંચે છે અને ગામડામાં ખેતી કરનારો ખેડુત પણ વાંચે છે એ ટુંકી વાર્તાના કારણે જ શક્ય બન્યુ છે.

તમે આટલા બધા ડાહ્યા અને ભલા કેમ છો ?
શક્ય છે કે હું ડાહ્યા હોવાનો ડોળ પણ કરતો હોંઉ. ડાહ્યા દેખાતા માણસો ડાહ્યા જ હોય અને અવળચંડા લાગતા લોકો અવળચંડા જ હોય એવું માનવાની ભૂલ ક્યારેય ન કરવી. દુનિયાએ હજુ મને એવી તક જ નથી આપી કે મારે અવળચંડા થવુ પડે એટલે જ કદાચ હું ડાહ્યો લાગતો હોઇશ. આમ તો માત્ર હું જ નહી દુનિયાનો દરેક માણસ ત્યાં સુધી ડાહ્યો જ હોય છે જ્યાં સુધી જગતના લોકો એનામાં રહેલા ડાહ્યાપણાને મારી ન નાંખે. ડાહ્યા અને ભલા રહેવામાં મારો એક અંગત સ્વાર્થ પણ છે, બ્લડપ્રેસર કંટ્રોલમાં રહે છે અને હદય મસ્ત રીતે ધબકે છે.

કોઇ એક એવુ સપનું ખરું જે ક્યારેય સાકાર ન થયું હોય ?
એક નહી એવા તો અનેક સપના છે જે સાકાર નથી થયા. કોલેજમાં પ્રોફેસર બનવાની ખુબ ઇચ્છા હતી પણ એ સપનું સપનું જ રહી ગયુ છે. જો કે જે નથી મળ્યુ એનો શોક કરવાને બદલે જે મળ્યુ છે એનો આનંદ ઉઠાવવાનો પ્રયાસ કરુ છું.

આ ધરતી પર તમને કંટાળો નથી આવતો ? કેમ ?
ના બિલકુલ નથી આવતો. આ ધરતી પર સાવ નકામી આઇટમો છે એવી જ રીતે તારા જેવા ઢગલાબંધ મિત્રો પણ છે. પ્રેમાળ પરિવાર છે. લોકો ખુબ આદર આપે છે અને પ્રેમ કરે છે એના આદર અને પ્રેમથી આ ધરતી પર સ્વર્ગ જેવુ લાગે છે. (ક્યારેક કંટાળો આવે પણ એ હંગામી હોય છે થોડા જ સમયમાં એનું બાષ્પિભવન થઇ જાય છે.)

તમને જાદુની છડી આપીને કહેવામાં આવે કે તમે સમાજમાંથી તમને દેખાતી કોઇ બે ખરાબીઓ બદલી શકો છો તો તમે શું બદલો ? કઇ બે સારપ ઉમેરો ?
જો મારે મને દેખાતી બે ખરાબીઓ દુર કરવી હોય તો એક તો રખડતા, ભટકતા અને કંઇ જ ન કરીને સમાજ માટે બોજારુપ બનતા લોકોની પ્રજોત્પતિ શક્તિને બંધ કરી દઉં અને બીજુ દારુના તમામ પીઠાઓ પણ બંધ કરાવી દઉં. જો બે સારી બાબત ઉમેરવાની હોય તો એક તમામ બાળકોને શાળા-કોલેજમાં પ્રવેશ અપાવુ અને બીજુ કે તમામ શિક્ષકો અને પ્રોફેસરોને કર્મનિષ્ઠાથી તરબતર કરી દઉં.

આ જાદુની છડી વડે તમારી કોઇ ખરાબી દુર કરવાની હોય તો કઇ ખરાબી દુર કરો અને સારપ ઉમેરવાની હોય તો કઇ સારપ ઉમેરો. ?
મને આળસ ખુબ આવે છે. આજનું કામ કાલ પર ઠેલવાની વૃતિ મારામાં ઠાંસી ઠાંસીને ભરી છે. જાદુઇ છડીથી મારે મારી ખરાબી દુર કરવી હોય તો આ આળસનું ફીંડલુ વાળીને સમંદરમાં ફેંકી આવું. હું સંપૂર્ણ સત્યવકતા માણસ નથી જો મારામાં કોઇ એક સારપ ઉમેરવાની હોય તો હું નિ:શંકોચ પણ મારામાં સત્યવકતાનો ગુણ ઉમેરું.
હું તમને તમે જ્યાં છો ત્યાંથી ઉંચકીને આખી પૃથ્વીની બહાર લઇ જાઉ અને અવકાશમાં તરતા મુકી દઉં તો તમને સૌથી પહેલા કોણ યાદ આવે ?
સતત મારી સાથે રહેનારા મારા સુખ દુ:ખના સાથી અને મારી અંધકારથી ઉજાસ તરફની યાત્રાના પ્રતિપળના માર્ગદર્શક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ.
તમે જે કંઇ પણ કરો છો કે કરતા હતા તે શા માટે કરો છો કે શા માટે કરતા હતા ?
જેમ જેમ મારી સમજણ વિકસી તેમ તેમ એક બાબત સમજી શક્યો છું કે ભગવાનું કોઇ કાર્ય હેતું વગરનું ક્યારેય ન હોય શકે. મને આ ધરતી પર લાવવાનો પણ ભગવાનનો કોઇક હેતું હશે જ અને જો હું એના એ હેતુંને પાર પાડવાનો પ્રયાસ કરુ તો એની પ્રસન્નતાનો હક્કદાર બનું. મને ઘણીવખત એવુ થાય છે કે હું જે કંઇ કરુ છું એની પાછળ મારી ઇચ્છા કરતા ભગવાનની ઇચ્છા વધુ રહેલી છે મને માત્ર માધ્યમ બનાવીને એ પોતાનું કામ કરી જાય છે. એટલે મેં મારી જાતને એમના હવાલે કરી દીધી છે. જે સુઝે છે એ કરુ છુ અને એવું કેમ સુઝે છે એ તો સુઝાડનારાને ખબર ! હા જે કરુ છું એનાથી અપરાધભાવ ઓછો અને સંતોષ વધુ મળે છે.

તમને છરી આપુ અને આખી દુનિયામાં તમારા ખુદ સિવાયની કોઇ એક વ્યક્તુનું ખુન કરવાનું કહુ તો કોનું ખુન કરો ?
માત્ર એક જ વ્યક્તિનું ખુન કરવાથી સંતોષ થાય તેમ નથી સમાજને નંદનવન બનાવવા માટે તો અનેક વ્યક્તિઓને પતાવી દેવી પડે એમ છે. જો કે આ બધી જ વ્યક્તિઓને જીવીત રાખીને એનામાં રહેલી શયતાની વૃતિનું ખુન કરી શકાતું હોય તો એ કરવાનું વધુ પસંદ કરું.

ક્યારે મરવું છે અને કેવી રીતે મરવું છે ?
મરવાની તો હજુ ઉતાવળ નથી. મારો નાનો ભાઇ હદયરોગના કારણે હજુ હમણા જ મૃત્યુ પામ્યો છે એટલે એમના ત્રણ સંતાનો અને મારો દિકરો એમ મળીને હવે મારા ચાર સંતાનો છે. આ ચાર દિકરા-દિકરીઓ મારા ગયા પછી મને ગાળો ન દે એવું એમનું જીવન સજાવીને પછી વિદાય લેવી છે. પત્નિના ખોળામાં મારુ માથુ હોય અને ગુરુદેવના હાથમાં મારો હાથ હોય એવી રીતે મરવું છે.

મરતા પહેલા તમારા દિકરાને એક સંદેશો દેવો હોય તો શું કહેશો ?
બેટા, પરમાત્માએ આ જગતને સ્વર્ગ જેવું સુંદર બનાવ્યુ છે તારા જીવન કે કાર્ય દ્વારા એવું કંઇ ન કરતો કે જેથી એ સ્વર્ગ મટીને નર્ક બને.

પાંચ પ્રિય પુસ્તકો
શ્રીમદ ભગવદગીતા ( શ્રીકૃષ્ણનો અર્જુન સાથેનો સંવાદ)
વચનામૃત ( સ્વામિનારાયણ ભગવાનનો અનુયાયીઓ સાથેનો સંવાદ)
વચનામૃત ( સ્વામિનારાયણ ભગવાનનો અનુયાયીઓ સાથેનો સંવાદ)
પોલીયાના ( એલીનોર પોર્ટર )
ધ સેવન હેબીટ્સ ઓફ હાઇલી ઇફેક્ટીવ પીપલ ( સ્ટીફન કોવી )
સૌરાષ્ટ્રની રસધાર ( ઝવેરચંદ મેઘાણી )

પ્રિય માણસો
મહાત્મા ગાંધી
સરદાર પટેલ
વિવેકાનંદ
******************************************************************************************************
ઇન્ટરવ્યુ લેનાર:
જીતેશ દોંગા
Link: http://gujarati.pratilipi.com/jitesh-donga
શૈલેશ સગપરીયાની બધી જ રચનાઓ/વાર્તાઓ વાંચવા માટે :
શૈલેશ સગપરીયા
Link: http://gujarati.pratilipi.com/shailesh-sagapariya