નામ - અટક : જીતેશ દોંગા
જન્મતારીખ : 23-૦૮-૧૯૯૧
મૂળ વતન : ગામ: સરંભડા, તાલુકો, જીલ્લો: અમરેલી.
ડિગ્રી-ઉપાધિ : બી.ટેક- ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ
સ્વભાવ :
કુદરત જેવો! મતલબ સમજ્યા? ના? બસ એ જ! “ના સમજાય તેવો!” સીધાસાદા શબ્દોમાં કહું તો જીવનને રંગબેરંગી તરીકાથી જીવતો, પરંતુ સાથે-સાથે અગૂઢ, ઊંડો, અને અંધાધુંધી ભરેલો. દોસ્તીમાં વાદળની જેમ વરસી પડું, પણ અંગત ક્ષણોમાં કોઈ પહાડની જેમ અખંડ તપસ્વી. કોઈ નદીની જેમ લાઈફના દરેક ઉતાર-ચઢાવમાં મારી જાતને ભરી દેતો પાણી જેવો. કોઈ વૃક્ષની જેમ પાંદડા ખંખેરી નવી ઋતુમાં નવા રંગ ધરતો પરિવર્તનશીલ. અગૂઢ ઊંડી ખીણની જેમ મારા હૃદયના અંધારાઓમાં પડઘા પાડતો મારો સ્વભાવ. એક અગાધ દરિયાની જેમ હું હિલોળે ચડતો જીવું છું. કિનારો છોડતો નથી. સ્થિતપ્રગ્ન છું. હા...દરિયાની જેમ ભરતી-ઓટ આવ્યા કરે છે મારા સ્વભાવમાં, પરંતુ સરવાળે હું એમાં વિલીન થઈને ‘હું’ બની જાઉં છું.
જીવનનો એક એવો અનુભવ જે ક્યારેય નહિ ભૂલી શકાય :
હા...એક ક્ષણ છે જે આ પ્રશ્ન પરથી તરત જ યાદ આવી. મારી પહેલી નવલકથા ‘વિશ્વમાનવ’ મેં અઢી વરસની ગળાડૂબ મહેનત પછી જે રાત્રે પૂરી કરી હતી તે રાત. અમદાવાદના વસ્ત્રાપુરમાં હું રૂમ રાખીને રહેતો હતો. રાત્રે ચાર વાગ્યે મારી નવલકથાનો છેલ્લો અક્ષર લખ્યો, અને બસ...એટલી ઊંડી ખુશી થઇ કે એ ઘટના મારા દિલની દીવાલોમાં કોતરાઈ ગઈ! તમે માનશો નહી, હું રાત્રે ચાર વાગ્યે રસ્તા પર આવીને ખુબ નાચેલો. ચારે તરફ કુતરા ભસતા હતા, અને હું મારી લાઈફના છેલ્લા અઢી વરસની મહેનત, મારા આંસુ, લખવા માટે કરવા પડેલા ઉધામા, બેરોજગારીના દિવસો, મારા આંસુ, અપમાન, સપના, દુઃખ-સુખ-ભૂખ અને જનુન યાદ કરીને રડતો-રડતો ખુશીથી નાચી રહ્યો હતો. એ દિવસે જ નક્કી કરી લીધેલું: લાઈફ આખું ઘસાઈ જઈશ, પણ કામ તો લખવાનું જ કરીશ.
સ્વતંત્રતા ને વ્યક્તિગત જીવનમાં કઈ રીતે જીવો છો ?:
આઈ એમ સિંગલ! એકવાર લવ થયેલો, પણ તે ઈશ્વર પાસે એકલી જતી રહી. મારી સ્વતંત્રતા એટલે મારી રૂમમાં એકલો બેસીને લખવાનો ખેલ ખેલતા રહેવાની મજા! રૂમમાં લોક હોય, પછી અંદર હું નાચતો પણ હોઉં, ખુલ્લી બારીમાંથી વાદળો નીરખતો હોય, કે ખૂણામાં રહેલું કરોળિયાનું જાળું પણ જોયા કરતો હોઉં. એ બધું જ મારું અસ્તિત્વ છે. રૂમ બહાર દોસ્તો, કુટુંબ અને વાંચકો માટે હું જીવ રેડી દઉં. કોઈ આશાઓ રાખ્યા વિના, સૌ સાથે દુખના છોતરા ઉખેડી ફેંકુ અને સુખને વધેરીને જે પ્રસાદ મળે એને ‘આને જ જીંદગી કે’વાય’ વાળો એટીટ્યુડ લઈને ફરતો રહું. પ્લસ...આઈ એમ લુકિંગ ફોર લવ. ‘કોઈ મારા જેવું ધૂની મળી જાય તો યાર લાઈફ બની જાય’ એવું રોજે વિચાર્યા કરું. એકલો ખુબ રખડું છું. એકલો ખુબ ખુશ છું, પણ લાગે છે કોઈકના માટે ફના પણ થવું છે. એ કોઈક એટલે ‘ધ લવ’ આઈ એમ લુકિંગ ફોર!
ચોવીસ વર્ષ અને ચોસઠ વર્ષની ઉંમરમાં વિચારોનો તફાવત વિશે તમારું શું માનવું છે ?
હાહાહા...હું આ પ્રશ્નને ઉલટાવું તો તમને પ્રતીપ વિધાન યોગ્ય જવાબ બની જશે. સવાલ એમ હોવો જોઈએ કે: “ચોવીસ વર્ષ અને ચોસઠ વર્ષના વિચારોમાં ઉંમરના તફાવત વિષે તમારું શું માનવું છે?” જવાબને ઊંડાણમાં કહું તો: ચોવીસ વર્ષનો માણસ જોગીની જેમ જીવી શકે, અને ચોસઠ વર્ષનો બુઢો એક બાળક બની શકે. મૂળ વાત લાઈફ પ્રત્યેના એટીટ્યુડની છે. આમેય એક જ જીંદગી મળી છે એમાં જીવ નીચોવીને જીવવાનું છે, પછી શરીરના કેટલા વરસ થયા એને અને આત્મો કેટલો ઉન્નત થયો એને ક્યાં સંબંધ બાંધવો?
અતિપ્રિય વ્યક્તિ:
૧) મારી માં
૨) મારી ત્રીજા નંબરની બહેન પારૂલબેન
૩) મારા બાપુજી
4) મારી બાકી બધી બહેનો
૫) મારી જાત!
ગમતું વ્યસન :
૧) ઈમેજીન કરવાનું! જે ક્યારેય વિચાર્યું ન હોય તેવું વિચારવાનું, અને પછી તે લખવાનું.
૨) દોસ્તો સાથે રખડવાનું પણ વ્યસન છે.
સર્જનમાં કોઈ પ્રેરણામૂર્તિ હતાં? છે?:
જય વસાવડા. હતા અને છે. ચંદ્રકાંત બક્ષી પણ ખરા. ચેતન ભગત પણ ખુબ મોટો ફાળો છે મને લખતો કરવામાં.
મનગમતો પહેરવેશ :
સુટ! મને રોજે સપનું આવે કે હું સુટ-બુટમાં સજીધજીને હજારોની મેદનીમાં ભાષણ આપી રહ્યો છું. જાણે ગુજરાતનો સૌથી મોટો લેખક બની ગયો છું! એટલે આજકાલ હું મારા બર્થ-ડે ગીફ્ટ પણ સુટ જ માગું છું!
પ્રિય ભોજન :
બાજરાનો રોટલો, ચુરમું અને અડદની દાળ (એ પણ મારા બાના હાથની)
પ્રેમ એટલે શું?:
અસ્તિત્વ. બસ... તમારું હોવું અને આ બ્રમ્હાંડનું હોવું એક થાય તે પ્રેમ. પછી તે કોઈ ફૂલ પ્રત્યે હોય, માંના ખોળા પ્રત્યે હોય, કોઈ છોકરી પ્રત્યે હોય, કે તમારી જાત પ્રત્યે. પ્રેમ એટલે એવું અસ્તિત્વ જેમાં તમે પૃથ્વી પર રહીને બ્રહાંડ વિષે નથી વિચારતા, પરંતુ કોઈ વ્યક્તિએ સર્જેલા બ્રહાંડમાં રહીને તમે જ્યાં છો તે પૃથ્વી વિષે વિચારો છો. આ છે એકત્વ, અને એ જ છે પ્રેમ. કદાચ.
વાચકોને એક સંદેશ :
મારી બીજી આવનારી નવલકથાની એક પણ વાત મેં ક્યાય જાહેર કરી નથી, પરંતુ અહી એક ક્વોટ કાઢીને મૂકી દઉં છું:
“એય...એક કામ કરીશ? હું જેવું જીવી રહી છું તે તું જોતો રહેજે, અને એક દિવસ હું જયારે મરી જાઉં અને તું મને ખાડો ખોદીને દાટે ત્યારે મારી કબર પર મુકેલા પથ્થર ઉપર શક્ય હોય તો એક વાક્ય લખજે: આ વ્યક્તિ પોતાના પુરા જનુનથી જીવી હતી!”
બસ યારો-વાંચકો...જિંદગીને પુરા જનુનથી જીવતા રેજો કે જેથી કરીને આવતીકાલ તમે મરો ત્યારે તમારી કબર પર કોઈ લખી શકે કે આ માણસ પોતાના પુરા જનુનથી જીવ્યો હતો.
અને હા...બાપલા વાંચતા રહેજો. વાંચન માણસને બદલાવી નાખે છે, અને બદલાવ એ જ જીવન છે.
પ્રતિલિપિ પર પ્રકાશિત કેટલીક રચનાઓ :