1) નામ-અટક:
દીપક સોલિયા
૨) જન્મ તારીખ:
જુલાઈ, ૧૯૬૫. ચોક્કસ તારીખ જાહેર કરવાથી જન્મદિવસે શુભેચ્છાનું પ્રમાણ વધે. પછી બધાને થેંક્યુ, થેંક્યુ, થેંક્યુ, થેંક્યુ, થેંક્યુ કહેવું પડે. તમને અહીં પાંચ વાર થેંક્યુ વાંચીને કંટાળો આવ્યો ને! બસ, એમ જ મને થેંક્યુ કહેવાનો કંટાળો આવતો હોવાથી તારીખ અધ્યાહાર રાખું છે.
3) મૂળ વતન:
અંકેવાળિયા, લીંબડી, ભાવનગર, રાજકોટ, દ્વારકા, બળદિયા, ભૂજ, અંજાર, માધાપર, આણંદ. આમાંથી વડીલોનું ઘર તો ફક્ત ભાવનગરમાં જ છે, પરંતુ ત્યાં હું ફક્ત પહેલા ધોરણ સુધી જ ભણ્યો. પછી આ બધા સ્થળોએ ઉછર્યો-ભણ્યો એટલે આ બધાં ગામ મને વતન લાગે છે.
4) ડીગ્રી/શિક્ષણ:
એમ. એસસી. (એગ્રીકલ્ચર)
5) સ્વભાવ:
એ સતત બદલાતો રહે, પણ સ્થાયી ભાવ તરીકે હળવાશ હજુ સુધી ટકી છે.
૬) પ્રિય ભોજન:
દેશી ગુજરાતી થાળી.
૭) તમને ક્યારે ખબર પડી કે તમારે લખવું જોઈએ?
લખતાં શીખ્યો એના બે-ત્રણ વર્ષ બાદ નિશાળમાં નિબંધો લખતી વેળાએ લાગેલું કે આ કામ ફાવે એવું છે.
૮) લેખક તરીકે કોઈ સંઘર્ષ કરવો પડ્યો? કઈ રીતે? -
સંઘર્ષ ન કરવો પડ્યો. ખબર જ હતી કે લખીને જીવવું છે, પણ મોઢામાં પતાસું પડે એની રાહ જોઈ અને રાહ ફળી. મુંબઈમાં નરીમાન પોઈન્ટ પર મારી દવાકંપની (રેનબેક્સી)ની ઓફિસની બાજુમાં જ હસમુખ ગાંધીના અખબાર સમકાલીનની ઓફિસ હતી. એક દિવસ એ ઓફિસ જોવાની ઇચ્છાથી ગયો. ન્યુઝ એડિટરે પૂછ્યું, ‘અનુવાદ આવડે?’ મેં કહ્યું, ‘હા.’ એમણે અનુવાદ કરાવ્યો અને પછી એ મને તંત્રી હસમુખ ગાંધી પાસે લઈ ગયા. ગાંધીસાહેબે સામે બેસાડીને ત્રણ નાનાં કટિંગ્ઝનો અનુવાદ કરાવ્યો. પાસ થયો. પત્રકાર બની ગયો. લખવા લાગ્યો... આખી વાતમાં જેને ‘સંઘર્ષ’ કહી શકાય એવું કશું નહોતું.
૯) કોઈ એવી ઉંમર કે લક્ષ્ય નક્કી જ્યારે લખવાનું બંધ કરવાનું પ્લાનિંગ હોય? -
એકમાત્ર મની ઇન્વેસ્ટમેન્ટમાં થોડું પ્લાનિંગ કર્યું છે, એ પણ છેલ્લાં પાંચેક વર્ષથી. એટલો વ્યવહારુ હું છું. બાકી, આમ કરીશ ને તેમ કરીશ એવા કશા પ્લાનિંગ કરવાનું મને ગમતું પણ નથી અને ફાવતું પણ નથી.
૧૦) એક એવું સપનું ખરું જે ક્યારેય સાકાર જ ના થયું હોય?
પચ્ચીસેકની ઉંમર પહેલાં કેટલાંક ખ્વાબ જોયેલાં. એ ઉંમરસહજ હતું, પરંતુ પછી મને ભવિષ્યકાળ અને ભૂતકાળનું નિરર્થકપણું એટલી તીવ્રતાથી સમજાયું કે વર્તમાનમાં જીવવા પર જ ધ્યાન આપું છું. ભાવિનાં સપનાં જોતો નથી અને ભૂતકાળને ઝાઝું મહત્ત્વ આપતો નથી.
૧૧) આ ધરતી પર તમને કંટાળો નથી આવતો? કેમ?
ક્યારેક આવે, પણ એ ઝાઝો ટકતો નથી.
૧૨) તમને જાદુની છડી આપીને કહેવામાં આવે કે તમે તમને દેખાતા સમાજમાં જે બદલવું હોય એવી કોઈ પણ બે ખરાબી બદલી શકો છો, તો તમે શું બદલો? બીજું, કઈ બે સારપ ઉમેરો?
હું એ જાદુની છડી ફેંકી દઉં. સમાજ કુદરતી રીતે જ બદલાતો હોય છે. એ ધીમેધીમે, પ્રજાના સમગ્ર વિકાસ સાથે વિકસે (કે રકાસ સાથે કથળે) એ જ ઠીક છે. જાદુની છડી ફેરવીને કુદરતની રિધમ ખોરવવાનું મને ન ગમે.
૧3) આ જાદુની છડી વડે તમારી ખુદની કોઈ ખરાબી દુર કરવાનું કહેવામાં આવે તો શું કરો? બીજું, કઈ બે સારપ ઉમેરો?
ફરી, છડી ફેંકી દઉં. મારી ખૂબીઓને અને ખામીઓને હું સિરિયસલી નથી લેતો. હોય, કેટલીક ખૂબીઓ હોય. હોય, કેટલીક ખામીઓ હોય. એમાં બહુ ઊંચાનીચા થવા જેવું નથી.
૧4) હું તમને તમે જ્યાં છો ત્યાંથી ઊંચકીને આખી પૃથ્વી બહાર લઇ જાઉં, અને અવકાશમાં તરતા મૂકી દઉં તો તમને સૌથી પહેલા કોણ યાદ આવે?
પત્ની હેતલ. સાડા એકવીસ વરસથી એ મારી નિકટતમ મિત્ર છે (પહેલું દોઢ વર્ષ ફક્ત મિત્ર હતી, પછી વીસ વર્ષથી પત્ની-કમ-મિત્ર-જ્યાદા તરીકે સાથે છે). એક વ્યક્તિ આટલો લાંબો સમય તમારી સાથે હોય ત્યાર પછી એ શરીરના હિસ્સા જેવી બની જાય છે. એના વિના અવકાશમાં તરવાનું આવે તો એવું લાગે જાણે એકાદ હાથ કે પગ વિના તમે મને અવકાશમાં તરતો મૂકી દીધો.
૧5) કોઈ એવી કુટેવ કે જે છોડી દેવી હોય, અને અફસોસ હોય?
કુટેવો તો છે જ, પણ એને છોડી દેવાનો જુસ્સો નથી. કુટેવો ન છૂટવાનો અફસોસ નથી.
૧૬) તમને છરી આપું, અને આખી દુનિયામાં તમારી ખુદ સિવાય કોઈ એક વ્યક્તિનું ખૂન કરવા કહું તો કોનું કરશો?
જો તમે મારા ગળા પર છરી મૂકીને કહો કે ‘દીપકભાઈ, કોઈકનું ખૂન નહીં કરો હું તમને મારી નાખીશ.’ આ સ્થિતિમાં હું તમારું ખૂન કરી શકું ખરો. બાકી, મને કોઈને મારવામાં રસ નથી.
૧૭) ગુજરાતી લેખકોની નવી પેઢીને કોઈ વાત કહેશો?
‘સમજદાર કો ઇશારા કાફી’ એ ન્યાયે, માત્ર ઇશારો સમજી શકે એવા જુવાનિયાઓને કહીશ કે યાર, ખૂબ ઝડપથી ટોચે પહોંચી જવામાં મજા નથી. પચ્ચીસ-ત્રીસની ઉંમરે ટોચે પહોંચી ગયા પછી આખી જિંદગી કરવાનું શું? મંજિરા વગાડવાનાં? રાજેશ ખન્નાની જેમ પચ્ચીસ-ત્રીસે કારકિર્દીની ટોચે પહોંચ્યા પછી આખી જિંદગી પતન જોવાનું? દારૂ પીવાનો? વજન વધારવાનું? એના કરતાં ધીમે ધીમે પચાસ-સાઠની ઉંમરે ટોચે પહોંચવું સારું, જેથી પછી પતનનો ગાળો લાંબો વેઠવો ન પડે. :-)
છેલ્લા ત્રણ સાદા સવાલ:
૧૮) કોઈ પાંચ પ્રિય પુસ્તકો ક્યાં?
પાન પરાગની પેલી એડની જેમ પાંચ પડીકી સે મેરા ક્યા હોગા? એના કરતાં જેમનાં નામે અનેક પુસ્તકો બોલે છે એવાં કેટલાંક નામ કહું તો, દોસ્તોયેવસ્કી, કામૂ, રમણ મહર્ષિ, મંટો, હર્મન હેસ, ગાંધી, નસીમ તાલેબ... હજુ કેટલાંક નામ છે, પણ તમે પાંચનો આંકડો પાડ્યો છે તો સાત પર અટકું.
૧૯) કોઈ પ્રિય માણસો ક્યાં?
પરિવારજનો અને મિત્રો તો અનેક છે. એ સિવાય, ગાંધી અને વિનોબાથી માંડીને ઓબામા અને રઘુરામ રાજન તેમ જ ભજનિક નારાયણ સ્વામી અને ક્રિકેટર રાહુલ દ્રવિડ જેવા જાતજાતના લોકો ખૂબ ગમે.
૨૦) તમે ભગવાનમાં માનો છો? કેમ?
ભગવાન શબ્દમાં નથી માનતો, પણ સર્વવ્યાપી ચૈતન્યમાં માનું છું. વાત માન્યતાની છે, છતાં શંકાની ભાષામાં કહું તો, પથ્થરમાં પણ ચૈતન્ય હોવાની મને ‘શંકા’ છે. :-)
ઇન્ટરવ્યૂ લેનાર:
http://gujarati.pratilipi.com/jitesh-donga
http://gujarati.pratilipi.com/dipak-soliya