pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રતિલિપિના CEO તરફથી ખાસ થેંક્યું લેટર

13 সেপ্টেম্বর 2024

નમસ્કાર, 

 

આજે હું તમારી સાથે એક સ્પેશિયલ વાર્તા શેર કરવા ઈચ્છું છું. તમારી પ્રતિલિપિની વાર્તા! હા, આજથી 10 વર્ષ પહેલા 14, સપ્ટેમ્બર 2014ના રોજ અમે પ્રતિલિપિ વેબસાઈટનું ફર્સ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું. 

 

તે સમયે, અમારી પાસે ઘણા પ્રશ્નો હતા, પણ ફક્ત એક નિશ્ચય સાથે અમે આગળ વધવા માંગતા હતા કે, સપનાઓની કોઈ ભાષા નથી હોતી. અમારું લક્ષ્ય હતું કે અમારા ક્રિએટર્સ કોઇપણ અવરોધ વિના સમગ્ર વિશ્વ સાથે તેમની વાર્તાઓ શેર કરવા સક્ષમ બને. અમે એ જાણતા હતા કે આ સફર મુશ્કેલ હશે, પરંતુ જો અમે અમારા વિઝનની થોડા પણ નજીક પહોંચીશું તો આ સફર અમારા માટે મહત્વપૂર્ણ રહેશે.

 

અમે ક્યારેય કલ્પના નહતી કરી કે આ સફરમાં કેટલી સમસ્યાઓ આવશે અને તેની સામે અમને શું ફળ મળશે! 

 

એક સમય એવો પણ હતો જ્યારે કોઈ વાર્તાને સો વાચકો દ્વારા વાંચવામાં આવતી, જ્યારે મહિનામાં નવા સો લેખકો અમારી સાથે જોડાતા હતા ત્યારે અમે સેલિબ્રેશન કરતા! અને હવે આજે જુઓ, અત્યારે એક મિલિયનથી વધુ લેખકોનો આપણો પ્રતિલિપિ પરિવાર ગાઢ બની ગયો છે, જેમની વાર્તાઓ દર અઠવાડિયે લાખો વખત વંચાય છે!

 

હજુ 3 વર્ષ પહેલા સુધી, અમે મોનેટાઇઝેશન શરુ પણ નહતું કર્યું છતાં લેખકો અને વાચકોનો અઢળક પ્રેમ અમને સતત મળતો રહ્યો. લેખકો એમની વાર્તાઓના નવા ભાગ નિયમિત પ્રકાશિત કરતા રહ્યા અને વાચકો નવા ભાગની આતુરતાથી રાહ જોઇને ઉત્સાહપૂર્વક વાંચન કરતા રહ્યા. વાચકો અને લેખકો વચ્ચેના આ શ્રેષ્ઠ સંબંધથી ફક્ત ગયા મહિનાની વાત કરીએ તો અમે 1.5 કરોડથી વધુની રોયલ્ટી લેખકો સાથે શેર કરી શક્યા છીએ. આ માટે એ તમામ વાચકોનો હૃદયપૂર્વક આભાર જે સબસ્ક્રિપ્શન લઈને તેમના પ્રિય લેખકોને સપોર્ટ કરે છે.

 

ગયા મહિને, 500થી વધુ લેખકોએ 5000થી વધુની આવક તેમના નિયમિત પ્રકાશન અને વાચકો સાથે બનાવેલા શ્રેષ્ઠ સંબંધથી પ્રાપ્ત કરી. આ આંકડા એ સાબિતી છે કે નાના પગલાથી કરેલી શરૂઆત અને સતત પ્રયાસ સફળતા આપે છે, ખાસ કરીને ત્યારે જ્યારે ઘણા લોકોને શંકા હતી કે પ્રતિલિપિમાં ગ્રોથ શક્ય છે કે નહીં? પ્રતિલિપિની બહાર અમારા લેખકો અને એમની વાર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે કે નહીં? પરંતુ જુઓ, આજે આપણા ઘણા લેખકોની વાર્તાઓ અલગ અલગ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. ઉપરાંત ફક્ત થોડા સમયમાં આપણી પાસે 5 ટીવી શો અને 1 વેબસિરિઝ છે જે પ્રતિલિપિ પરની વાર્તાઓ પરથી બન્યા છે, અને હજુ તો આ શરૂઆત છે! 

 

વાસ્તવમાં આ સફર સરળ કે સામાન્ય નથી રહી. શરૂઆતમાં એક નાનકડા રૂમમાં 5 મેમ્બર્સથી શરુ કરેલું અમારું આ મિશન આજે 100+ ટીમ મેમ્બર્સ સાથે તમને બેસ્ટ સર્વિસ આપવાના પ્રયાસ માટે સતત કાર્યરત છે. આ સંપૂર્ણ સફરમાં મેં અને અમારી ટીમે ઘણો અઘરો સમય પણ જોયો છે. પરંતુ આ સમયમાંથી પસાર થવામાં અમને તમારો પ્રેમ અને વિશ્વાસ ખૂબ મદદગાર રહ્યો છે. 

 

હજુ આપણે ઘણી ઉંચાઈએ પહોંચવાનું છે અને પ્રતિલિપિને એ પ્લેટફોર્મ બનાવવાનું છે જ્યાં હજારો લેખકો પ્રતિલિપિ પર ફુલટાઇમ લેખક બનીને એમનું સ્વપ્ન પૂર્ણ કરી શકે. અમે ઈચ્છીએ છીએ કે અમારા લેખકોની વાર્તાઓ વિશ્વના દરેક ખૂણે પહોંચે, અમારા ટોચના લેખકો વૈશ્વિક સ્તરે સફળતા મેળવી એમનું નામ રોશન કરે અને અમને વિશ્વાસ છે કે આ બધું થશે!

 

જ્યાં સુધી તમે, અમારા લેખકો અને વાચકો અમારી સાથે છે, અમે હંમેશા આગળ વધતા રહીશું. ભલે આગળની સફરમાં સારા - ખરાબ દિવસો જોવા પડે પણ તમારો પ્રેમ અને ભરોસો અમને હંમેશા આગળ વધવા પ્રેરણા આપશે અને આપણે સાથે મળીને નવા નવા શિખરો પાર કરતા રહીશું.

 

કોશિશ જારી રહેગી!

 

Ranjeet Pratap Singh

CEO, Pratilipi