દિનુ થાકીને એના રૂમ પર આવ્યો. રોજ કરતા આજે એ વધારે થાકી ગયો હોય એમ લાગતું હતું. એક તો આજે રોજ કરતા વધારે રૂમ બનાવવા પડ્યા અને ડેસ્ક પર કામ કરવાનું ન મળ્યું. એ મોટેલમાં કામ કરતો હતો. ‘ડેઇઝ ઈન’માં. આજથી ચારેક વરસ પહેલાં એ અહિં અમેરિકા આવ્યો હતો. મોટી બહેન ગીતાએ એની પિટિશન ફાઈલ કરી હતી. જે નવ વરસના લાંબા ઈંતેઝાર બાદ ઓપન થઈ હતી. બનેવી જશુભાઈ તો ફાઈલ કરવા માંગતા જ નહોતા. કે’તા કે અહિં હવે પહેલાં જેવું નથી. વળી દિનુ કંઈ ખાસ ભણેલ નહોતો. અહિં આવીને શું કાંદા કાઢવાનો? દિનુની વિનવણી અને બહેનના મનામણાં ...