<p>છ દાયકાની ફિલમની રીલ રિવાઈન્ડ કરતા બાળપણની પહેલી યાદ મામાના બંગલામાં નાનકડો રૂમ ચોપડીઓથી ભરેલો અને ઝગમગ, ચાંદામામા, રમકડું વગેરે બાળમાસિકોથી ઘેરાયેલી હું મારી જાતને આજે પણ તાદ્રુશ્ય કરી શકું છું. વાંચનનો શોખ બાળપણથી અને શાળમાં પણ વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઘણા ઈનામો મળ્યાનુ યાદ છે, પણ સાહિત્ય અને સારા વાંચનની ટેવ સાતમા ધોરણથી પડી જેને માટે મારા ગુજરાતી ના શિક્ષીકા ઈંદુબેન જવાબદાર છે. કનૈયાલા મુન્શી, રમણલાલ વસંતલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ, ગોવર્ધન ત્રિપાઠી, વગેરે ના પુસ્તકોનુ વાંચન એમની દોરવણી હેઠળ થયું. ત્યારથી સાહિત્ય નો લગાવ લાગ્યો.</p>
<p>જન્મ મારો કલકત્તા પણ ઉછેર મુંબઈમા. સંસ્કારી માબાપ ના ત્રણ સંતાનમાં સહુથી મોટી. B.A. with Arts કરીને યુવાની ના સપના સાકાર કરૂં તે પહેલા માતા-પિતા ના અકાળ અવસાને જીવન બે દિશામાં ફંટાઈ ગયું. બહેન અને ભાઈ મોશાળ કલકત્તા ગયા અને મેં મારી મા જે શિક્ષીકા હતી એની જગ્યાએ શાળામા ગુજરતી ના શિક્ષક તરીકે નોકરી સ્વીકારી અને લગ્ન કરી મુંબઈમાં ઠરીઠામ થઈ. સારા નસીબે જીવનસાથી મળ્યો એવો જેને પણ સાહિત્યમા ઘણી રૂચી હતી અને મારો વ્યવસાય ગુજરાતી શીખવવાનો એટલે સાહિત્ય સાથે હમેશ સંબંધ રહ્યો, પણ લખવાની પહેલ તો અમેરિકા આવ્યા પછી થઈ. યુવાનીમા શાળા અને બે બાળકોની સંભાળ વચ્ચે સાહિત્ય સર્જન ક્યાંક દબાઈ ગયું હતું તે અહીં આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતાની અસ્ખલિત વહેતી ગંગાનો સથવારો અને વિજયભાઈ જેવા પીઢ, અનુભવી લેખકના પ્રોત્સાહને મા સરસ્વતી નુ નામ લઈ લેખનની શરૂઆત કરી છે, અને તમ જેવા રસિક, જ્ઞાની વાચક વર્ગની દાદ વધુ લખવા ઉત્સાહ પ્રેરે છે.</p>
<p>અસ્તુ</p>
સમસ્યાનો વિષય