<p>ભારતની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યમાં આવેલ ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ ગામે જન્મ (૧૯૫૬) અને લગ્ન (૧૯૭૫). ૧૯૮૯માં અમેરીકા આવતાં પહેલાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાંથી માઈક્રોબાયોલોજી અને શિક્ષણ સાથે સ્નાતક થઈ ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. અમેરીકા આવીને મેડિકલ અને રીસર્ચ લેબોરેટરીમાં લાંબી કારકીર્દી પછી ફરી ગણિતના વર્ગો શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે જોડાઈ હાલ ટેનેસી રાજ્યના ચટ્ટાનૂગા શહેરમાં સ્થિત છું. ત્રણ પુત્રીઓ અને બે પૌત્રો સાથેની સંસાર નૈયામાં પતિના સહકારને કારણે સાહિત્ય અને માતૃભાષા સાથેની પ્રીતિ જળવાઈ રહી છે. જેને પરિણામે પંચાવનમે વર્ષે ગુજરાતી મુખ્ય વિષય સાથે એસ.એન.ડી.ટી. યુનીવર્સીટીના ડીસ્ટન્સ એજ્યૂકેશન પ્રોગ્રામમાં જોડાઈને અનુસ્નાતકની પદવી મેળવી. ક્યારેક ક્યારેક લખાય છે અને છપાય છે તેનો આનંદ છે.એકાદ-બે કૃતિઓને ઈનામ અને ભાષા પ્રેમી મિત્રો થકી સાહિત્ય સાથે ઘરોબો વધતો રહ્યો છે. બે દેશોની અલગ સંસ્કૃતિઓના સુભગ સમન્વયની તક સાથેના ઘણા અનુભવો લખવાના હજુ બાકી છે. જીવનની ઢળતી સંધ્યાએ એ ઈચ્છા પૂરી થશે તો વધુ આનંદ થશે નહિતર પણ પરિવાર અને મિત્રો સાથેની આનંદયાત્રામાં વાંચનનો સાથ પથ પર પ્રકાશ પાડતો રહેશે એવી શ્રદ્ધા સાથે જગતને અને જગતનિયંતાને વંદન ! </p>
સમસ્યાનો વિષય